સિઝેરીયન પ્રસુતિ

પ્રસુતિ(ડીલીવરી) એક સહજ કુદરતી ક્રિયા હોવા છતા તેમાં ઘણી આંટી ઘૂટી સામેલ છે. ઘણી વાર આ ક્રિયા સહજ કુદરતી રીતે થઈ શકે તેવુ ન હોય કે શિશુને કે માતાને જોખમ હોય તો તબીબી નિષ્ણાતો શિશુને માતાના પેટ અને બાદમાં ગર્ભાશય પર કાપો મૂકીને એક શસ્ત્ર ક્રિયા દ્વારા બાહર કાઢે છે. આ ક્રિયા- ઓપરેશન ને સીઝેરીયન સેક્શન કહે છે.
પ્રાચીન રોમમાં જુલિયસ સીઝરનો જન્મ આ ઓપરેશન દ્વારા  સૌપ્રથમ કરાવાયો હોવાની લોકવાયકા છે. અને આથીજ આ ઓપરેશન ને સીઝરીયન સેક્શન તરીકે નામ મળ્યુ.
સીઝેરીયન સેક્શન કરવા માટે ના સામાન્ય કારણૉ
  1. અગાઉ થયેલ સીઝેરીયન સેક્શન
  2. નોર્મલ પ્રસુતિમાં ઉભી થયેલી અડચણ કે લંબાઈ રહેલો બીજો તબક્કો
  3. ગર્ભાશયમાં શિશુની અસામાન્ય ગોઠવણ કે સ્થિતિ
  4. પ્રસુતિની પ્રક્રિયા દરમ્યાન ગર્ભસ્થ શિશુના અનિયમિત ધબકારા કે ગૂંગળામણના લક્ષણો
  5. માતાને નોર્મલ પ્રસુતિ થી જ્યારે નુકશાન થવા સંભવ હોય
  6. શિશુને જ્યારે નોર્મલ પ્રસુતિમાં નુકશાન પહોંચવા સંભવ હોય
સીઝેરીયન સેક્શન- ઓપરેશન વિશે 
સીઝેરીયન સેક્શનમાં  સામાન્ય રીતે માતાને ઓપરેશન થીયેટરમાં લઈ એનેસ્થેસ્યોલોજીસ્ટ  (શીશી સુંઘાડનાર ડોક્ટર) માતાની કમરમાં એક સોય દ્વારા ઈંજેક્શન આપે છે. આ ઈંજેક્શનની અસર હેઠળ માતાનો કમર થી નીચેનો ભાગ સંવેદના હીન બને છે. હવે સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર પ્રથમ પેટ અને તેના સ્નાયુ પર ચીરો મૂકી ધીરે ધીરે ગર્ભાશય સુધી પહોંચે છે. ત્યારબાદ ગર્ભાશય પર કાપો મૂકી અને શિશુને ગર્ભાશય માંથી બાહર કાઢે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન માતા સંપૂર્ણ સભાન હોય છે માત્ર શસ્ત્રક્રિયા નો દુઃખાવો તેને થતો નથી. ઘણા ખરા સેંટરમાં શિશુની શરુઆતી સારવાર બાદ ઓપરેશન ટેબલ પર સુતેલી માતાને તેનુ શિશુ અવશ્ય બતાવાય છે.

હાલના સમયમાં સીઝેરીયન સેક્શનનો દર ઘણો વધુ શા માટે જોવા મળે છે ?
  1. પ્રસુતિ વિજ્ઞાન ની પ્રગતિ દ્વારા આધુનિક સાધનો વડે હવે ગર્ભસ્થ શિશુને પ્રસુતિ દરમ્યાન અનુભવાતી ગૂંગળામણ અને તેનાથી તેના ધબકારામાં સર્જાતી અનિયમિતતાઓ ખૂબ આસાનીથી માપી શકાય છે. આથી આવા શિશુને તાત્કાલિક અસરથી સીઝેરીયન સેક્શન દ્વારા ડીલીવર કરાવી બચાવી લેવાય છે.
  2. સોનોગ્રાફી દ્વારા હવે શિશુની અંદરની પરિસ્થિતિ કે અસામન્ય ગોઠવણ કે કોઈ ખોડખાંપણ  વિ. ખૂબ વહેલુ નિદાન થઈ શકે છે. આવા શિશુને નોર્મલ પ્રસુતિ શક્ય હોતી નથી આથી સિઝેરીયન કરાય છે.
  3. માતાને અમુક ચેપી રોગમાં સિઝેરીયન સેક્શન કરવાથી શિશુને ચેપ  લાગતો અટકાવી શકાય છે.
  4. પ્રસુતિ(ડીલીવરી) એક સહજ કુદરતી ક્રિયા હોવા છતા તેમાં ક્યારેક મુશ્કેલી સર્જાય શકે છે.  આથી ઘણા કિસ્સામાં માતા-પિતા જ સામેથી તબીબ ને નોર્મલ ડીલીવરીને બદલે સિઝેરીયન સેક્શન કરવા વિનંતી કરે છે.
  5. માતાને શારીરીક બંધારણ- ખાસ કરીને મેદસ્વીપણુ કે પ્રજનન માર્ગની બનાવટ એવુ હોય કે નોર્મલ ડીલીવરી શક્ય ન હોય ત્યારે સિઝેરીયન સેક્શન કરી શિશુનો જન્મ આસાન કરી શકાય છે. આવા કિસ્સાઓનું વહેલુ નિદાન હવે શક્ય છે.

No comments:

Post a Comment